વિવાહની વિધિ

વિવાહની વિધિ વિવાહની વિધિ વિવાહની વિધિ

વિવાહની વિધિધ વિધિ

વૈવાહિક વિધિનો આરંભ વરદાન કે વરને કન્‍યાદાન કરવાથી વાચિક (મૌખિક) કબૂલાતથી થાય છે. ઋગ્‍વેદકાલમાં વર પોતાના મિત્રો સાથે વધૂના પિતા પાસે જઇને એની સામે ઔપચારિક પ્રસ્‍તાવ મૂકતો. કાલક્રમે વર નહીં, પણ તેના બદલે વરનો પિતા સ્‍વજનો સાથે કન્યાના પિતાને ત્‍યાં જતો. આજે કન્‍યાપક્ષના પુરુષો વરને ત્‍યાં જઇ શ્રીફળ વગેરે આપી આ વિધિ કરે છે. સૌરાષ્‍ટ્રના વડનાગરા નાગર જેવી કોઇ જ્ઞાતિઓમાં વરપક્ષ કન્‍યાનું માગું કરે છે ને કન્‍યાપક્ષ તેનો સ્‍વીકાર કે અસ્‍વીકાર કરે છે. ગુજરાતમાં વાગ્‍દાનની પ્રથાને ‘ચાંલ્‍લા થવાનું’ કહે છે, ઉતર ભારતમાં એને માટે ‘તિલક’ એવું નામ પ્રચલિત છે. મનુ વાગ્‍દાનને ‘પ્રદાનવિધિ’ કહે છે. કેટલેક સ્‍થળે વાગ્‍દાન સ્‍વજનોની સાક્ષીમાં લિખિત સ્‍વરૂપે પણ થાય છે, જેને ‘લખ્‍યાં’ નો વિધિ કહે છે. શિક્ષિત સમાજમાં વરકન્‍યા પરસ્‍પરને જોઇ, એકબીજા સાથે વાતચીત કરી, વિચારોની આપલે કરી ને અનુકુળતા હોય તો પૂરતી પરિચય કેળવી, સુમેળની પૂરતી શકયતા જણાતાં પરસ્‍પરની પસંદગી કરે છે અને તે પછી ‍આ વિધિ કરાય છે.

કેટલીક જ્ઞાતિઓમાં સહુ પહેલાં વરના જન્‍માક્ષર (જન્‍મકુંડળી કે જન્‍મપત્રિકા) માંગી કે મંગાવી વરકન્‍યાના ગ્રહયોગ મેળવવામાં આવે છે. એમાં ‘પાઘડિયે મંગળ’ ના દોષ સામે ખાસ સાવધતા રાખવામાં આવે છે, ને ગ્રહયોગમેલાપકમાં આઠ જુદા જુદા પ્રકારના યોગોના દોકડા (ગુણ) પણ ગણવામાં આવે છે. જે જ્ઞાતિઓ કે કુટુંબો ગ્રહયોગને શ્રદ્ઘાપૂર્વક મહત્‍વ આપતાં હોય તે ગ્રહયોગની અનુકૂળતાની ખાતરી થયા પછી જ એ દિશામાં આગળ વધવાનું પસંદ કરે છે ને ઘણીવાર બીજી બધી રીતે સુપાત્ર લાગતી વ્‍યકિત સાથેનો સંબંધ બાંધવાનું માત્ર ગ્રહયોગના વાંધાને લીધે પણ નાપસંદ કરે છે. આધુ‍નિક કાલમાં ગ્રહયોગનું મહત્‍વ ધીમે ધીમે ઘટતું જાય છે.

વાગ્‍દાનવિધિમાં કન્‍યાના પિતા વરને હાથે ગણપતિપૂજન કરાવી, રૂપિ‍યો અને શ્રીફળ આપી પાઘડી બંધાવે છે. આ રિવાજ ગુજરાત-સૌરાષ્‍ટ્રમાં પ્રચલિત છે.

વાગ્‍દાન પછી હવે યોગ્‍ય વય થતાં કન્‍યા અને વરના લગ્‍નનું મુહૂર્ત નક્કી કરવામાં આવે છે. લગ્‍નના દિવસે ગ્રહશાંતિનો વિધિ કરાય છે. લગ્‍નના કેટલાક દિવસ પૂર્વે ‘માટી લાવવાની’ પ્રથા પદ્ઘતિ ગ્રંથોમાં દર્શાવી છે. એને ‘મૃતિકા અનાયન’ કહે છે. અમુક સમાજોમાં ગામડાંઓમાં લગ્‍નના દિવસે કન્‍યાના પિતાને ત્‍યાં વેદીના નિર્માણ માટે પણ વધૂના શરીરને હળદર ને તેલથી ચોળવામાં વિધિ છે, જેને ‘હરિદ્રાલેપન’ (પીઠી ચોળવી) કહે છે. લગ્‍નનાં શુભ દિવસે તથા શુભ મુહૂર્ત (ઘડી-પળ) ને એ સમયના ગ્રહયોગની કુંડળી દર્શાવતી ‘લગ્‍નપત્રિકા’ને પડીકામાં મૂકી નાડાછડીથી બાંધી લગ્‍નદિનની પહેલાંના દિવસે કન્‍યાપક્ષે તરફથી વરને ત્‍યાં મોકલવામાં આવે છે, તેને ‘લગનપડીકું’ કહે છે. વરપક્ષ એ લગ્‍નપત્રિકા લગ્‍ન સમયે પોતાની સાથે લેતો આવે છે ને વિધિના આરંભે પુરોહિત તે વાંચી બતાવે છે. આ પછી મંડપસ્‍થાપન (‘માંડવો બાંધવો, ‘ ‘થાંભલી ઘાલવી’) થાય છે. ઘણી જ્ઞાતિઓમાં લગ્‍નવિધિના આરંભ પહેલાં કન્‍યાપક્ષ તરફથી વરને કલવો પીરસવામાં આવે છે. કોઇ જ્ઞાતિઓમાં કન્‍યાપક્ષ તરફથી વરને પીતાંબર આદિ વસ્‍ત્રો આપવામાં આવે છે. એને ‘પરિધાન’ કહે છે. એવી રીતે વરપક્ષ તરફથી કન્‍યાને મંગળઘાટડી આદિ વસ્‍ત્રો આપવામાં આવે છે તેને ‘વસન’ કહે છે.

લગ્‍નવિ‍ધિનો આરંભ થતાં કન્‍યાને ત્‍યાં પહેલાં ગણપતિપૂજન થાય છે. મંડપ નીચે વૈવાહિક હોમ માટે યજ્ઞીય વેદો બનાવાય છે. કન્‍યાના આગમન પહેલાં હસ્‍તમેળાપનો સમય જાણવા એક ઘટિયંત્ર મૂકાય છે. પાણીથી ભરેલી કુંડીમાં ત્રાંબાના વાસણરૂપ ઘટિ મૂકવામાં આવતી. જયોતિષી ભાસ્‍કરાચાર્યની પુત્રી લીલાવતીના વિવાહપ્રસંગના સંદર્ભમાં ઘટિયંત્રનો ઉલ્લેખ આવે છે. વિવાહની પૂર્વતૈયારીરૂપે વર-વધૂને સુવાસિત જળથી સ્‍નાન કરાવવામાં આવે છે.

વરયાત્રા (જાન) વધૂના ગૃહ પ્રતિ પ્રસ્‍થાન કરે છે. વર કન્‍યાના પિતાના ઘર આગળ, જયાં તોરણ હોય ત્‍યાં જઇ, પાટલા પર ઊભો રહે છે, કન્‍યાની માતા માથે મોડ મૂકી વરને પોખે છે. મંડપમાં આવી વર પોતાને માટે રાખવામાં આવેલા આસન પાસે પૂર્વાભિમુખ ઊભો રહે છે. આ પછી કન્‍યાના પિતા મંડપે પધારેલ વરરાજાનું મધુપર્કથી સ્‍વાગત કરે છે અને આસન અર્પણવિધિ થાય છે. આસન પર બેસાડયા પછી વરનું પાદપ્રક્ષાલન થાય છે. કન્‍યાના પિતા જમીન પર ઉતર દિશા તરફ અણીનો ભાગ રહે તેવી રીતે કેટલાંક દર્ભ મૂકી ગાયની કિંમતનું દ્રવ્‍ય પોતાના દક્ષિણ હાથમાં રાખી વરને આપે છે, જેને ‘ગોદાન’‍ પણ કહે છે. કાલિદાસે રઘુવંશ (૭, ૧૮) માં અજ ઇન્‍દુમતીને પરણવા ગયો ત્‍યારે ઇન્‍દુમતીના ભાઇ ભોજે મધુપર્કયુકત અર્ધ્‍ય તથા બે રેશમી વસ્‍ત્રો તેને અર્પણ કર્યા એવો ઉલ્‍લેખ કર્યો છે. ગોદાન વિધિ બાદ કન્‍યાનું અર્ચન થાય છે. કન્‍યાના મામા કન્‍યાને માંયરા (મંડપ)માં પધરાવે છે. મંગલાષ્‍ટકગાન થાય છે. પાણિગ્રહણ પહેલાં મંગલાષ્‍ટક સમયે વરકન્‍યા વચ્‍ચે અંતઃપટ રાખવામાં આવે છે. મંગલ ગીતોના ધ્‍વનિ સાથે અંતઃપટ દૂર થતાં બંનેને એકબીજા સામે જોવા માટેનો શાસ્‍ત્રીય વિધિ, ‘પરસ્‍પર સમીક્ષણ’ નો, આવે છે. બંગાળમાં આને ‘શુભ દ્રષ્ટિ’ કહે છે. આ પછી વરપક્ષ તરફથી કન્‍યાને એક મંગળ વસ્‍ત્ર (મંગળ ઘાટડી) અને એક બીજું ઉતરીય વસ્‍ત્ર (સાળુ) અપાય છે. કન્‍યાને મોડ પહેરાવી મંગળ ઘાટડી ઓઢાડવામાં આવે છે. કન્‍યાને એના માતામહ કે માતા તરફથી ચૂંદડી, ચૂડી અને મોડ ભેટ મળે છે. ‘છોલિકાભરણ’ વિધિમાં વર અને કન્‍યા બંને પક્ષે સામસામી ફળો, વસ્‍ત્રો અને આભૂષણોની આપ-લે થાય છે. સૌભાગ્‍યનાં આભૂષણોમાં નાકની વાળી મુખ્‍ય હોવાથી આ સમગ્ર વિધિનું નામ ‘છોલિકાભરણ’ પડયુ છે. ગુજરાતમાં આ વિધિ પ્રચલિત નથી. પછી ‘સમંજન’ (સુગંધિત અતર લગાડવાનો) વિધિ થાય છે. વધૂના હાથે કંકણ પહેરાવવાનો વિધિ થાય છે, જેને ‘પ્રતિસરબંધ’ કહે છે. એ જ સમયે વરપક્ષ તરફથી કન્‍યાના કંઠમાં ‘મંગલસૂત્ર’ પહેરાવાય છે, એને ‘સૌભાગ્‍યસૂત્ર’ પણ કહે છે. ‘વરમાલારોપણ’ વિધિમાં વર-વધૂ બંનેના કંઠમાં લાંબી સળંગ વરમાળા પહેરાવાય છે. વરમાળા કાચા સૂતરમાંથી બનાવાય છે. ત્‍યાર બાદ કન્‍યાદાનનો વિધિ શરૂ થાય છે જે સમગ્ર વિવાહવિધિમાં અત્‍યંત મહત્‍વપૂર્ણ છે. તેમાં કન્‍યાને એના વાલી વડે વરના હાથમાં સોંપવામાં આવે છે. વર नातिचरामि (હું એને ધર્મ, અર્થ અને કામમાં બિનવફાદાર થઇશ નહીં) વગેરે પ્રતિજ્ઞા સાથે કન્યાનો પ્રતિગ્રહ (સ્‍વીકાર) કરે છે. કન્‍યાદાનની વિધિ પિતાને જ કરવાની હોય છે. પિતા જીવીત ન હોય તો ભાઇ કે કોઇ નિકટના સંબંધી કરે છે. તે વખતે કન્‍યાનાં માતા પિતા ઉતરાભિમુખ બેસી કન્‍યાદાનનો સંકલ્‍પ કરે છે. કન્‍યા અને વરનું અર્ચન થાય છે. વરના ખેસના છેડા સાથે કન્‍યાની ચૂંદડીના છેડાને બાંધવામાં આવે છે, તેને ‘વસ્‍ત્રગ્રંથિ’ કે ‘છેડા ગાંઠવા’ કહે છે. સૌભાગ્‍યવતી સ્‍ત્રીઓ કન્‍યાના કાનમાં सौभाग्यवति એવો આર્શીવાદ આપે છે. ગોત્રોચ્‍ચાર વિધિમાં કન્‍યાઅર્પણના સંકલ્‍પસમયે પ્રથમ વરનું અને પછી કન્‍યાનું ગોત્ર ઉચ્‍ચારવાનો રિવાજ છે, જેમાં વરના તથા કન્‍યાના પિતૃપક્ષના તથા માતૃપક્ષના નજીકના પૂર્વજોનાં નામ સાથે બંનેનો પૂરો પરિચય અપાય છે. કન્‍યાદાનમાં નિસ્‍વાર્થ ભાવના ઉપરાંત એ મોટા પુણ્‍યનું કામ પણ છે. આથી અન્‍ય સગાંઓ પણ કન્‍યાદાન સાથે કંઇ કંઇ અલંકારાદિનું દાન કરી કન્‍યાદાનના પુણ્‍યમાં ભાગીદાર બનવા ચાહે છે, ને કોઇ રાજા તથા શ્રીમંત નિર્ધન કુટુંબની કન્‍યા દાનનું ખર્ચ આપી પુણ્‍યોપાર્જન કરતા. પશ્ર્ચિમી ક્ષહરાત ક્ષત્રપ રાજા નહપાનના જમાઇ ઉષવદાતે બ્રાહ્મણોની આઠ કન્‍યાઓના દાનનું ખર્ચ આપ્‍યાનો ઉલ્‍લેખ ઉષવદાતના નાસિક ગુફાલેખમાં આવે છે.

કન્યાના પિતા કન્‍યાદાન સાથે વરને દક્ષિણા (દ્રવ્‍ય) પણ આપે છે. દહેજ કે પહેરામણીની પ્રથા વ્‍યાવહારિક રૂપમાં કન્‍યાદાન વખતે માંયરામાં નહીં, પણ પછીથી થાય છે. કન્‍યાદાનની પ્રતિષ્‍ઠા (સ્થિરતા), સમીક્ષણ, રક્ષાસૂત્ર અને મંગળસૂત્રની વિધિ બાદ માંયરાની વિધિ સમાપ્‍ત થાય છે. ત્‍યારબાદ ચોરીનો વિધિ થાય છે. જેમાં વરકન્‍યાને પાટલે બેસાડી અગ્નિપૂજન થાય છે, અને હોમ થાય છે. પછી વરકન્‍યાને કંસાર પીરસવામાં આવે કે ભાત પણ પીરસાય. વરકન્‍યા એક એકબીજાને પાંચ પાંચ કોળિયા જમાડે. રાષ્‍ટ્રભૃત્ હોમમાં વર પોતાના જીવનમાં આવનાર વિપતિઓથી બચવા માટે દેવો તથા પિતૃઓને પ્રાર્થના કરે છે. જીવનસંગ્રામમાં વિજય અને ઉન્‍નતિ ચાહનાર વરે જયા હોમ કરવો જોઇએ. પોતાની આબાદી અને વિકાસ માટે વધૂ સાથે બેઠેલ વર અભ્‍યાતાન હોમ કરે છે. પંચાહુતિ હોમમાં અગ્નિને ઉદેશીને ચાર અને યમને ઉદેશી એક એમ પાંચ આહુતિ આપવામાં આવે છે. લાજાહોમ વિવાહવિધિનો એક મહત્‍વપૂર્ણ ભાગ છે. લાજા એટલે ડાંગર. લાજાહોમમાં અગ્નિ પાસે લઇ જઇ મંગળફેરા ફેરવવામાં આવે છે. વર-કન્‍યાને ઊભા કરી કન્‍યાને ખોબો ધરવાનું અને એની નીચે વરને ખોબો ધરવાનું કહેવામાં આવે છે. એ પછી કન્‍યાના ભાઇ ડાંગર કન્‍યાના ખોબામાં નાખે છે. એ ડાંગર પુરોહિત જમણા હાથમાં લઇ અગ્નિમાં હોમે છે અને પછી કન્‍યાનો જમણો હાથ વર પકડે છે. કન્‍યા આગળ ચાલે, વર પાછળ ચાલે. એવી રીતે પાણિગ્રહણ કરવામાં આવે છે. ‍લાજાહોમ વખતની કુલ ચાર પ્રદક્ષિ‍ણા હોય છે. ચોથી પ્રદક્ષિ‍ણા વખતે બધી ડાંગર હોમી દેવામાં આવે છે. એ સમયે અગ્નિખૂણાના સ્‍તંભ પાસે મૂકેલા એક પથ્‍થરને પ્રદક્ષિ‍ણા કરતાં વરકન્‍યા પોતાના જમણા પગનો અંગૂઠો અડકાડે છે, જેને ‘અશ્‍મારોહણ’ વિધિ કહે છે. સામાન્‍ય રીતે અગ્નિની આસપાસ ચાર ફેરા ફરવામાં આવે છે. એ પવિત્ર અગ્નિદેવની સાક્ષીનું દ્યોતક છે. કેટલીક જ્ઞાતિઓમાં દર ફેરા વખતે કન્‍યાદાનમાં કંઇ ને કંઇ ભેટ આપવાનો રિવાજ છે. ફેરા ફરતી વખતે વરકન્‍યાનો જમણો હાથ પરસ્‍પર જોડેલો હોય છે. છેલ્‍લો ફેરો પૂરો થતાં વરકન્‍યા પૈકી પોતાના આસન પર જે પહેલું બેસી જાય તેનું ચલણ લગ્‍નજીવનમાં વધુ રહે તેમ મનાય છે.

આજે લગ્‍નમાં ઉચ્‍ચારાતાં સંસ્‍કૃત વિધિવિધાન માતૃભાષામાં સમજાવવામાં આવે, તો એની અંદર ઉદાત ભાવનાનો સચોટ ખ્‍યાલ આવે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL. He is a digital marketing consultant who specializes in influencer marketing, content marketing, and SEO. He is the Co-Founder of Raj Technologies Pvt. Ltd., a IT company.

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
Font Converter online
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events