રાહુના ફલાદેશ

રાહુના ફલાદેશ

રાહુના ફલાદેશ બાબતમાં ત્રણ ર્દષ્ટિ બિંદુથી અહીં વિચાર કરવામાં આવ્યો છે.
(૧) રાહુનું સ્થાન પરત્વે ફળ.
(૨) અન્ય ગ્રહની યુતિ થતાં રાહુનું ફળ
(૩) રાહુ સાથે સંબંધિત વિશિષ્‍ટ યોગો
(૧) રાહુનું સ્થાન પરત્વે ફળઃ
પ્રથમ સ્થાન એટલે લગ્નસ્થાન અથવા દેહભુવન. આ સ્થાનમાં રહેલ રાહુ જાતકના સ્વાસ્થય ઉપર વિપરીત અસર કરે છે. ખાસ કરીને નાનપણમાં શરીર ક્ષીણ રહે છે. મસ્તકપીડા થાય છે અથવા માથામાં ઘા લાગે છે. આધાશીશી જેવાં દર્દ પણ થાય. લગ્નસ્થ રાહુવાળી વ્યક્તિ ગુઢ હોય છે. પોતાની મનની વાત ભાગ્યે જ કળાવા દે છે. તે દેખાય એટલી સરળ નથી હોતી. જન્મસ્થાન કે વતનથી દૂર તે આજિવિકા મેળવવા માટે જાય છે અને ત્યાં નિવાસ કરે છે. જીવન દરમ્યાન નાની-મોટી મુસાફરી ખર્ચા કર્યા કરે છે. લગ્નજીવનમાં કાંઈક ને કાંઈક વિચિત્રતા હોય છે.
બીજા એટલે કે ધન સ્થાનમાં રહેલ રાહુ જાતકને જીવનભર આર્થિક પ્રશ્નો ઊભા કર્યા કરે છે. આવી વ્‍યક્તિઓ ધનનો સંચય નથી કરી શકતી. કુટુંબથી દૂર રહેવાનું થાય છે. સંયુક્ત કુટુંબ પ્રત્યે તેમનું વલણ પ્રતિકૂળ હોય છે. સંતાનોની સંખ્યા અલ્પ હોય છે. તેની આજીવિકાનું સાધન સન્‍માનયુકત નથી હોતું. ધનપ્રાપ્તિ માટે તે ગમે તે માર્ગ લઈ શકે છે.
ત્રીજા એટલે કે પરાક્રમ સ્થાનમાં રાહુ લાભકારક મનાય છે. આ સ્થાનનો રાહુ મનુષ્‍યને પરિશ્રમી અને પુરુષાર્થી બનાવે છે. જીવનમાં અચાનક ધનલાભ મેળવે છે. એ જ રીતે અચાનક હોદ્દાનો લાભ પણ મેળવે છે. આ સ્થાનનો રાહુ સ્વાસ્થ્ય સારું રખાવે છે. શત્રુઓ ઉપર જાતક વિજયી બને છે. સ્થાવરજંગમ મિલ્કત પ્રાપ્‍ત કરે છે. ગૂઢ વિદ્યાઓ મેળવે છે. બીજાના વિચારોને કળી જવાની તેમનામાં અદ્દભુત શક્તિ અને કુદરતી સૂઝ હોય છે.
ચોથા એટલે કે ભૂમિ સ્થાનમાં રહેલ રાહુ જાતકને ઘણાં પ્રકારનાં કષ્‍ટ આપે છે. જાતક જમીન-મકાન-વાહનનું સુખ પામતો નથી. કુટુંબનો પ્રેમ તેને મળતો નથી. માતાના સુખથી તે વંચિત રહે છે. ઘણીવાર નાનાચોથા એટલે કે ભૂમિ સ્થાનમાં રહેલ રાહુ જાતકને ઘણાં પ્રકારનાં કષ્‍ટ આપે છે. જાતક જમીન-મકાન-વાહનનું સુખ પામતો નથી. કુટુંબનો પ્રેમ તેને મળતો નથી. માતાના સુખથી તે વંચિત રહે છે. ઘણીવાર નાનાપણમાં જ માતાનું મૃત્યુ થાય છે. જાતક ઘણું ખરું માનસિક વ્યથાઓથી ઘેરાયેલો રહે છે. ચોથે રાહુવાળી વ્યક્તિઓ ગ્રામ્ય વિસ્તારમાં નિવાસ કરે છે. વિશ્વાસઘાતનો ભોગ બને છે.
પાંચમા એટલે કે વિદ્યા-સંતાનભુવનમાં રાહુ હોય તો જાતક ભણી શકતો નથી. અન્ય ગ્રહોની અનુકૂળ પ્રબળતાથી કદાચ જાતક પરિશ્રમ કરીને અભ્યાસ કરે તો પણ તેને પોતાના અભ્યાસ દરમ્યાન અનેક નાનાં મોટા વિધ્નોનો સામનો કરવો પડે છે. પંચમસ્થ રાહુવાળા જાતકને સંતાનો ખૂબ અલ્પ સંખ્યામાં હોય છે. ક્યારેક આવા જાતકો નિઃસંતાન પણ હોય છે. સંતાનો તરફથી જીવનભર એક યા બીજી રીતે મુશ્કેલી રહ્યા કરે છે.
છઠ્ઠા અથવા શત્રુ સ્થાનમાં રહેલ રાહુ જાતકને શત્રુવિજયી બનાવે છે. રોગો સામે પ્રતિકાર કરવાની આવા જાતકમાં અપાર શક્તિ હોય છે આવા જાતકોને માતૃપક્ષનાં સગાવહાલા તરફથી સંપત્તિનો લાભ મળે છે અથવા અન્ય રીતે સહાય મળે છે. છઠ્ઠા સ્થાનના રાહુવાળા જાતકોના જીવનમાં બહુધા એવું જોવા મળ્યું છે કે ચારે તરફથી પરિસ્થિતિ અંધકારમય હોય ત્યારે એકાદ એવું આશાનું કિરણ પ્રાપ્‍ત થાય કે જેના પરિણામે ન ધારેલી સફળતા મળી જાય.
સપ્‍તમસ્થાન અથવા પત્નીભુવનમાં રહેલ રાહુ દાંપત્યજીવનને ભાગ્યે જ સામાન્ય રહેવા દે છે. આવા જાતકો કાં તો પ્રેમલગ્ન કરે છે, અથવા તેમનાં દાંપત્ય જીવન દરમ્યાન ન ધારેલી મુસીબતોનો સામનો કરે છે. આ રાહુ છૂટાછેડા સુધીની પરિસ્થિતિ ઊભી કરી શકે છે. દાંપત્યજીવનમાં? વિશ્વાસઘાતના ભોગ પણ બનવું પડે છે. આવી જ પરિસ્થિતિ ધંધાકીય ક્ષેત્રે ભાગીદાર સાથે સમજવી.
આઠમા સ્થાન અથવા આયુષ્‍ય ભુવનનો રાહુ જાતકને દીર્ઘાયુષ્‍ય આપે છે. દુષ્‍ટ લોકો સાથે પનારો પડે છે. કુટુંબથી દૂર રહેવાનું થાય છે. અચાનક ખોટ ભોગવવી પડે છે. અષ્‍ટમસ્થ રાહુવાળા લોકોની મનોવૃતિ જુગારી હોય છે. કોઈપણ કાર્ય કરતાં પહેલાં તેઓ લાંબો વિચાર કરતા નથી. પેટ કે તેની આસપાસના અવયવોનો દુઃખાવો એ તેમની કાયમી ફરિયાદ હોય છે.
નવમા ભાગ્યસ્થાનમાં રહેલો રાહુ જાતકના દરેક કાર્યમાં વિલંબ કરનાર છે. આવા જાતકો ભૌતિક સુખસમૃદ્ધિની પ્રબળ આકાંક્ષા ધરાવતા હોવા છતાં અને પ્રાપ્‍ત કરવામાં બહુધા નિષ્‍ફળ જાય છે. તેમની મનોવૃત્તિ ઉત્તરાવસ્થામાં આધ્યાત્મિકતા તરફ વળે છે.
દસમા અથવા કર્મસ્થાનનો રાહુ જાતકની ઉન્‍નતિ કરાવે છે. પરંતુ આવા જાતકો ભાગ્યે જ એક ધંધાને વળગી રહે છે. સ્થાન અને કામધંધામાં તેઓ હંમેશા પરિવર્તન કર્યા કરે છે. આ સ્થાનના રાહુવાળા જાતકો નેતૃત્વ લેવાની ભાવનાવાળા હોય છે. તેઓ જાહેરજીવનમાં પડે છે. પરંતુ જાહેરજીવનમાં તેમને યશ કરતાં અપયશના પ્રસંગો વધુ ઊભા થાય છે.
અગિયારમાં લાભસ્થાનમાં રાહુ સારો ગણાયો છે. આ રાહુ જાતકને અણધાર્યો લાભ અપાવે છે. આ રાહુને કારણે જાતકને સમાજમાં પ્રતિષ્‍ઠા તથા ઊંચા હોદ્દાનો લાભ મળે છે. આવા જાતકો પોતાનાં કુટુંબને ઊંચ લાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.
બારમા અથવા વ્યય સ્થાનનો રાહુ કોઈ રીતે સારો ગણાતો નથી. આર્થિક, સામાજિક, કૌટુંબિક અને વ્‍યક્તિગત એમ લગભગ બધી બાબતોમાં બારમા સ્થાનનો રાહુ જાતકની પીછેહઠ કરાવનાર છે .જીવનમાં હતાશા એ આવા જાતકનું મુખ્ય લક્ષણ હોય છે.
સ્થાન પરત્વે રાહુનું બતાવેલું આ ફળ નિશ્ચિત કરતી વખતે બે બાબતોને ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. એક તો અન્યગ્રહોની કુંડળીમાં શું સ્થિતિ છે તે અને બીજું રાહુ જાતકની કુંડળીમાં કેટલા અંશનો છે તથા કઈ રાશિનો છે તે. આ બે પરિસ્થિતિના સંદર્ભમાં રાહુનું ઉપર બતાવેલું ફળ વધતા-ઓછા પ્રમાણમાં મળે છે.
(૨) અન્ય ગ્રહની યુતિ થતાં રાહુનું ફળ :
જ્યારે જ્યારે રાહુ સાથે કોઈ ગ્રહની યુતિ થયેલી હોય ત્યારે ત્યારે ફલાદેશ આપવામાં ખૂબ કાળજી રાખવી જોઈએ. આવી સ્થિતિમાં ખાસ કરીને બે બાબત ધ્યાનમાં લેવી જોઈએ. એક તો રાહુ સાથે ક્યો ગ્રહ પડ્યો છે તે અને બીજું એ બન્‍ને ગ્રહો કઈ રાશિમાં ક્યા સ્થાનના સ્વામી છે તે.
આ માટે પ્રથમ એ જાણી લેવું જોઈએ કે ક્યા ગ્રહો રાહુના મિત્ર છે, ક્યા તટસ્થ છે અને ક્યા શત્રુ છે.
બુધ, શુક્ર અને શનિ રાહુના મિત્રો છે. ગુરુ તટસ્થ છે તથા ચંદ્ર, સૂર્ય અને મંગળ શત્રુ છે.
મિત્ર ગ્રહોની સાથે રહેલો રાહુ તે તે ગ્રહની અસર ને પ્રબળ કરશે. એટલે કે બુધ, શુક્ર અને શનિની સાથે જો રાહુ યુતિમાં હશે તો જે તે સ્થાનમાં રહેલ બુધ, શુક્ર અને શનિની જે તે સ્થાનને લગતી અસર પ્રબળ બનશે.
ઉદાહરણ તરીકે લગ્નભાવમાં બુધ હોય તો જાતક બુદ્ધિશાળી બને છે. હવે જો લગ્ન-ભાવમાં બુધની સાથે રાહુ હશે તો એવી વ્‍યક્તિની બુદ્ધિમત્તા અત્યંત વધુ બનશે.
આવી જ રીતે શત્રુ ગ્રહ સાથે રહેલો રાહુ જે તે ગ્રહની શક્તિને ઓછી કરે છે. આથી ચંદ્ર, સૂર્ય કે શુક્ર એ શત્રુ ગ્રહો સાથે રહેલ રાહુ તે તે ગ્રહની સ્થાન પરત્વેની શક્તિને ઘણી જ અલ્પ બનાવી મૂકશે. શુક્રની અસર ઓછી થાય, તે જો કે જાતકના જીવન માટે લાભદાયી બને, કેમ કે શુક્ર નિર્બળ બને એટલે વિલાસવૃત્તિ ઘટે.
ઉદાહરણ તરીકે ભાગ્ય સ્થાનમાં એકલો ચંદ્ર હોય તો જાતક ભાગ્યશાળી શાંત પ્રકૃતિનો અને પ્રસન્ન હોય, પરંતુ જો ચંદ્ર સાથે ભાગ્યસ્થાનમાં રાહુ પણ સાથે હશે તો ચંદ્રની અસર ઓછી થઈ જશે અને ભાગ્યોદય અંગે વિપરીત પરિણામો આવશે.
(૩) રાહુ સાથે સંબંધિત વિશિષ્‍ટ યોગો :
રાહુ સાથે સંબંધિત વિશિષ્‍ટ યોગોમાં સૌથી વધુ મહત્વનો યોગ છે કોલસર્પયોગ, જ્યારે કુંડલીમાં બધા જ ગ્રહો રાહુ અને કેતુની વચ્ચે આવી જાય ત્યારે આ યોગ થાય છે. આ યોગ થતાં જાતકને જીવન દરમિયાન મુસીબતોનો સામનો કરવો પડે છે. તેના ભાગ્યમાં બહુધા અપયશ લખાયેલ હોય છે.
રાહુ દસમે સ્થાને હોય, દસમાનો અધિપતિ લગ્નમાં અને લગ્નેશ ભાગ્યભુવનમાં હોય તો ચક્રયોગ થાય છે. આ યોગ જે જાતકને હોય તેનો ભાગ્યોદય એકવીસમાં વર્ષથી થાય છે.
જેમની કુંડળીમાં લગ્ન સ્થાનમાં વૃષભ કે કન્યાનો રાહુ હોય તે ઘણી સામાન્ય સ્થિતિમાંથી આપબળે ઘણી ઊંચી સ્થિતિ પ્રાપ્‍ત કરે છે.
ચોથા સ્થાને રાહુ, શનિ કે ગુરુની યુતિમાં હોય તો જાતકનો ભાગ્યોદય ૩૬ વર્ષની ઉંમરથી થાય છે અને તે ૫૮ વર્ષની ઉંમર સુધી થતો રહે છે.
જેમ આકાશમાં રાહુ ચંદ્ર અને સૂર્યનું ગ્રહણ કરે છે. તેમ કુંડળીમાં પણ જો રાહુ ચંદ્ર કે સૂર્યની યુતિમાં હોય તો ગ્રહણયોગ કરે છે અને જે સ્થાનમાં હોય તે સ્થાનના ફળને બગાડે છે.
રાહુ વિશે આટલું જાણ્યા પછી એક-બે મહત્વની બાબતો ખ્યાલમાં રાખવાથી રાહુનું સચોટ ફળ આપવું સરળ બનશે.
રાહુની મહાદશા કે અંતરદશા ચાલતી હોય ત્યારે રાહુનું ફળ જાતકને સવિશેષ પ્રમાણમાં મળે છે. અષ્‍ટોત્તરી મહાદશા મુજબ રાહુનો ભુક્તિકાળ બાર વર્ષનો છે અને વિશોતરી મહાદશા મુજબ રાહુનો ભુક્તિકાળ અઢાર વર્ષનો છે.
રાહુ જ્યારે ગોચરમાં જન્મના રાહુ ઉપરથી પસાર થતો હોય ત્યારે રાહુનું ફળ સવિશેષ પ્રમાણમાં મળે છે.
રાહુના દુષતિ ફળમાંથી રક્ષણ મેળવવા માટે બુધવારનું વ્રત કરવું જોઈએ. રાહુનું નંગ ગોમેદ કહેવાય છે. રાહુનો મંત્ર નીચે મુજબ છે :
અર્ધકાયં મહાવીર્યં ચંદ્રાદિત્યવિમર્દનમ્ ।
સિંહિકાગર્ભસંભૂતં તં રાહું પ્રણમામ્યહમ્ ॥
રાહુના મંત્રની જપસંખ્યા ૧૮૦૦૦ છે.
જેવી રાહુ વિશેની પૌરાણિક કથા વિચિત્ર છે તેવું જ રાહુનું ફળ પણ વિચિત્ર હોય છે. રાહુ મનુષ્‍યના અંધકારમય જીવનમાં ક્યારેક તેજના સાગર લહેરાવી મૂકે છે તો ક્યારેક મનુષ્‍યના જીવનમાં તે અંધકારમય ઓઘ ઉતારે છે. આથી જ રાહુને આપણે તેજ અને છાયાનો ગ્રહ કહ્યો છે.
રાહુ ભલે દાનવ હોય છતા તેણે દેવોની પંક્તિમાં બેસીને અમૃતપાન કર્યું છે. તેથી જ તે જેની કુંડળીમાં હોય તેને માટે ક્યારેક દાનવ સાબિત થાય છે તો ક્યારેક તે જાતક ઉપર અમૃત પણ વરસાવે છે.
રાહુના ફલાદેશમાં જ્યોતિષશાસ્ત્રના જ્ઞાનની સાચી કસોટી રહેલી છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL. He is a digital marketing consultant who specializes in influencer marketing, content marketing, and SEO. He is the Co-Founder of Raj Technologies Pvt. Ltd., a IT company.

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
Font Converter online
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events