મૃત્‍યુનું આગમન

મૃત્‍યુનું આગમન

મૃત્‍યુનું આગમન
મૃત્‍યુ નજીક આવે ત્‍યારે કરાનારી કેટલીક ક્રિયાઓનું વર્ણનઃ
મૃત્‍યુ નજીક આવે ત્‍યારે કરાનારી કેટલીક ક્રિયાઓનું વર્ણન પરંપરાપ્રાપ્‍ત છે. ભાવિ કલ્‍યાણ માટે બ્રાહ્મણો અને નિર્ધનોને દાન અપાય છે. દાનમાં ગાયનું દાન મૂલ્‍યવાન છે. એ ‘વૈતરણી’ કહેવાય છે, કેમ કે પાતાળ લોકની વૈતરણી નદીને પાર કરવા મૃત વ્યકિત માર્ગદર્શક મનાય છે. મૃત્‍યુના આગમન સમયે મરનારનું શરીર સ્‍વચ્‍છ ભૂમિ પર રખાય છે. અગ્નિ પ્રજવલિત કરાય છે. એનું મસ્‍તક ઉત્તર દિશા તરફ રખાય છે. વેદોના મંત્રોચ્‍ચાર તેના કાન પાસે કરાય છે.ગંગાજળ, તુલસીપત્ર વગરે મોંમાં મુકાય છે, દીવો પ્રગટાવાય છે, મંત્રોચ્‍ચાર કે શ્ર્લોકોચ્‍ચાર કરાય છે, ભજનકીર્તન ગવાય છે, પુણ્‍ય કરવામાં આવે છે અને લીંપીને ચોકો કરવામાં આવે છે.

વિધિ :
મૃત્‍યુ પછી તરત જ હોમ કરાય છે. અગ્નિમાં ઘીની ચાર આહુતિ અપાય છે. આજે યજ્ઞધર્મના હાસની સાથે આ વિધિ લુપ્‍ત થઇ છે. તેને બદલે મુખમાં તુલસીપત્ર સાથે થોડાંક પાણીનાં ટીપાં રેડાય છે. બંગાળમાં મરણાસન્‍ન વ્‍યકિતને નદી કિનારે લઇ જઇ તેનાં દેહનો અર્ધભાગ પાણીમાં ડુબાડાય છે, આ ક્રિયા ‘અંતર્જલી’ કહેવાય છે. ત્‍યારબાદ ઉદુમ્‍બરની લાકડીની એક નનામી (ઠાઠડી) બનાવવામાં આવે છે, જેના પર કૃષ્‍ણ મૃગચર્મનો એક ટુકડો પાથરી માથું દક્ષિ‍ણ તરફ અને મોં ઉત્તરની બાજુ રાખી શબને તેના પર મૂકવામાં આવે છે. શબ વયોવૃદ્ઘ દાસો વડે લઇ જવાતું. કેટલાકના મતે બે બળદવાળી ગાડી પર મૂકીને લઇ જવાતું. આશ્ર્વાલાયન ગુહ્યસૂત્ર અનુસાર કેવળ એક ન બળદનો ઉપયોગ કરાતો. શબયાત્રામાં મૃત વ્‍યકિતનો જ્યેષ્‍ઠ પુત્ર આગળ રહેતો. એ પોતાના હાથમાં બળતી લાકડી રાખીને ચાલતો, જેને ગાર્હપત્‍ય અગ્નિથી સળગાવવામાં આવતી. શબયાત્રામાં વયોવૃદ્ઘો આગળ ચાલતા. પ્રાચીન કાળમાં સ્‍ત્રીઓ પણ પોતાના વાળોને અસ્‍તવ્‍યસ્‍ત કરી સ્મશાનમાં જતી. મૃત વ્‍યકિતની સહુથી મોટી પત્ની એનું નેતૃત્‍વ લેતી. હાલ સ્‍ત્રીઓ સ્‍મશાનમાં જતી નથી, પણ વિધવા સ્‍ત્રી પોતાના કંકદાણિ સૌભાગ્‍ય ચિહ્ન ભાગી નાંખી તેનો હંમેશ માટે ત્‍યાગ કરે છે.
પ્રાચીન કાલમાં એક વિશેષ પ્રકારની ગાય શબયાત્રામાં લાવવામાં આવતી, જેને ‘અનુસ્‍તરણા’ કહેવામાં આવતી. કેટલીકવાર એનું સ્‍થાન બકરો પણ લેતો. સૂત્રકારો અનુસાર ગાયનો બલિ આપવામાં આવતો. જો કોઇ કારણસર તેને મુકત કરવાની હોય તો તેને ચિતાની પ્રદક્ષિણા કરાવવામાં આવતી. શબયાત્રા ઘરથી સ્‍મશાનભૂમિ સુધી ત્રણ જગ્‍યાએ વિરામ માટે રોકાતી, જ્યાં વિશેષ વિધિવિધાન કરવામાં આવતાં. માર્ગમાં યમસૂક્તનો પાઠ કરવામાં આવતો. સ્‍મશાનભૂમિ પર પહોંચ્‍યા પછી ચિતા બનાવવા તથા ખાડો ખોદવા માટે સ્‍થાન પસંદ કરવામાં આવતું. ગુહ્યસૂત્રોમાં ચિતા બનાવવા માટેના નિશ્ર્ચિત નિયમોનું વિધાન કરેલું છે. વિધિપૂર્વક પસંદ કરેલું સ્‍થાન શુદ્ઘ કરવામાં આવતું, ભૂત-પ્રેતોના નિવારણ માટે મંત્રનું ઉચ્‍ચારણ કરાતું. આશ્ર્વલાયન ‍ગુહ્યસૂત્ર અનુસાર ખાડો બાર આંગળ ઊંડો કરવો જોઇએ. શબ જ્યારે ચિતા પર મુકાય ત્‍યારે બ્રાહ્મણ વ્‍યકિતના શબના હાથમાં સુવર્ણપિંડ, ક્ષત્રિયના હાથમાં ધનુષ અને વૈશ્‍યના હાથમાં મણિ હોવો જોઇએ.
ગુહ્યસૂત્રોના સમય સુધી મૃત પતિની સાથે એની વિધવા પત્‍ની ચિતા પર સૂઇ જઇ ‘સહગમન’ કરે એવી પ્રથા પ્રચલિત હતી. સહગમન કે અનુગમનને લગતા અનેક પાળિયા કરાયા છે. બોધાયન અનુસાર પત્‍નીએ શબના ડાબા પડખે સૂઇ જવું. મધ્‍યકાલીન પદ્ઘતિગ્રંથોમાં ‘સતી થવાની’ આ અમાનવીય પ્રથાનો અંત આણવામાં આવ્‍યો. પરંતુ આગળ જતાં કેટલાંક વિશિષ્‍ટ કુળોમાં સતીપ્રથાનો રિવાજ પુનર્જીવિત થયો. બ્રિટિશકાલથી એની કાયદાથી મનાઇ ફરમાવાઇ છે.
આરંભિક ક્રિયાઓ સમાપ્‍ત થયા પછી દાહ આરંભાય છે. ગૃહસ્‍થે રાખેલી ત્રણ કે પાંચ અગ્નિઓની જ્વાળાઓથી દાહ ઉત્‍પન્‍ન કરવામાં આવતો. કેટલીક વૈદિક શાખાઓમાં પ્રચલિત પ્રથા અનુસાર ચિતાની ઉત્તરમાં ત્રણ ખાડા ખોદવામાં આવતા અને તેમાં પાણી ભરતા. સંબંધીઓને એ ખાડામાં સ્‍નાન કરવાનું કહેવામાં આવતું. હાલ સ્‍મશાનમાં શબને બાળ્યા પછી લાડવાવાળો ઘડો ભાગી નાંખવામાં આવે છે, જેને ‘ઘડો લાડવો’ કહે છે. �શબદહન પછી પુરુષો આસપાસ કંઇ જોયા વિના સ્‍મશાન ભૂમિમાંથી પાછા ફરતા. ત્‍યારબાદ ‘ઉદક-કર્મ’ વિધિ કરવામાં આવતો, જેમાં મૃત વ્‍યકિતને જલ અર્પણ કરવામાં આવતું. મૃત વ્‍યકિતની સાતમી કે દસમી પેઢી સુધીના બધા જ સંબંધીઓ નજીકના જળાશયમાં સ્‍નાન કરી પ્રજાપતિની સ્‍તુતિ કરે છે, પોતાનું મુખ દક્ષિ‍ણ તરફ રાખી પાણીમાં ડૂબકી મારે છે, અને મૃત વ્‍યકિતનું નામ લેતાં એને જળની અંજલિ આપે છે. આ પછી રાંધેલો ભાત કાગડાઓ માટે જમીન પર નાંખવામાં આવે છે. બધા એક પવિત્ર સ્‍થળે બેસે છે. સૂર્યાસ્‍ત પછી ઘેર પાછા ફરે છે.
ગુહ્યસૂત્રો (પારસ્‍કર ગુહ્યસૂત્ર ૩ , ૧૦ , ૩૦) અનુસાર મૃત વ્‍યકિતનો શોક (સૂતક) પાળવાનો અવધિ બ્રાહ્મણો અને ક્ષત્રિયો માટે દસ દિવસનો હોય છે. વૈશ્‍યો અને શુદ્રો માટે તે પંદર દિવસ કે એક માસનો હોય છે. આ કાલ દરમ્‍યાન સંબંધીઓ ભોગવિલાસ તથા વ્‍યવસાયો છોડી શોકની ભાવના પ્રદર્શિત કરે છે. વેદોનો સ્‍વાધ્‍યાય, હોમ, પૂજા વગેરે કરતા નથી અને ત્રણ દિવસ સુધી સંયમ, ભૂમિશયન, ભિક્ષા દ્વારા મેળવેલું ભોજન માત્ર મધ્‍યાહને જ કરે છે. બે વર્ષની નીચેનું બાળક મૃત્‍યુ પામે ત્‍યારે માત્ર માતા પિતાને એક કે ત્રણ રાત્રિનું સૂતક લાગે છે. ઉપનયન પછી બાળકનું મૃત્‍યુ થાય તો તેના સૂતકનો અવધિ પ્રૌઢ વ્‍યકિત જેટલો જ હોય છે. વિવાહ પહેલાં કન્‍યા મૃત્‍યુ પામે તો માત્ર ત્રણ દિવસ જ સૂતક લાગે છે.
દાહક્રિયા પછી અસ્થિ સંચયની ક્રિયા આવે છે. ગૃહ્યસૂત્રોમાં આ ક્રિયાનું વિસ્‍તૃત વર્ણન છે. આશ્ર્વલાયન (૪, ૫) અનુસાર મૃત્‍યુ પછીના ૧૩મા કે ૧૫મા દિવસે અસ્થિસંચય કરવો જોઇએ. બૌધાયન (૧, ૧૪, ૧) ત્રીજો, પાંચમો કે સાતમો દિવસ દર્શાવે છે. આ ક્રિયામાં પહેલાં ભસ્‍મ પર દૂધ અને જળ છાંટી હાડકાંને મંત્રોચ્‍ચારથી છૂટા પાડવામાં આવતાં. તૈત્તિરીયોની પ્રથા અનુસાર અસ્થિસંચય મૃત વ્‍યકિતની મુખ્‍ય પત્‍ની કરતી. અસ્થિને ધોઇએક પાત્રમાં મૂકી, કૃષ્‍ણમૃગચર્મના એક ટુકડામાં બાંધી તેને શમી વૃક્ષની ડાળ પર લટકાવવામાં આવે છે. યજ્ઞયાગાદિ કરનાર વ્‍યકિતનાં હાડકાંને ફરીથી દાહ અપાય છે, સામાન્‍ય વ્‍યકિતનાં હાડકાંને દાટી દેવામાં આવે છે. આશ્ર્વલાયન અનુસાર સ્‍ત્રીનાં હાડકાં ભરવા કાણાંવાળા અને પુરુષનાં હાડકાં માટે છિદ્ર વગરના પાત્રનું વિધાન કરેલું છે. હાલ અગ્નિદાહના દિવસે કે બીજા દિવસે અસ્થિસંચય કરી એને વહેલી અનુકૂળતાએ ગંગા, નર્મદા જેવી પવીત્ર નદીમાં પધરાવવામાં આવે છે.
શાંતિકર્મની વિધિ મૃત્‍યુ પછીની નવમી રાત્રિ બાદ આવતા પ્રાતઃકાલે કે દસમા દિવસે કરવાની હોય છે. આશ્ર્વલાયન અનુસાર મૃત્‍યુ પછી ૧૫મા દિવસે કરાય છે. સંબંધીઓ એક નિશ્ર્ચિત સ્‍થાન પર એકત્ર થઇ, અગ્નિ સળગાવી, લાલ રંગના વૃષચર્મ પર બેસતા. આધુનિક વિધિ અનુસાર સ્‍ત્રીઓ આ ક્રિયામાં એકત્રિત થતી નથી.
અંત્‍યેષ્‍ટી સાથે સંબંધિત ક્રિયા એ મૃત વ્‍યકિતના અવશેષો પર સમાધિસ્‍થાન રચવું તે હતી. શતપથબ્રાહ્મણ (૧૩,૮) માં સ્‍મશાનવિધિનું વિસ્‍તૃત વર્ણન છે. બૌદ્ઘ ભિક્ષુઓમાં સમાધિનિર્માણ કરવાની પ્રથા લોકપ્રિય હતી. હિંદુઓમાં પણ સિદ્ઘ મહાત્‍માઓ અને સંન્યાસીઓની સમાધિ રચાતી. એ સમાધિ ગોળાર્ધ ઘાટની હતી અને એને સ્‍તૂપ કહેતા. ખ્રિસ્‍તીઓ, મુસ્લિમો અને યહૂદીઓમાં સમાધિ-નિમાર્ણની પ્રથા છે.
મૃત વ્‍યકિતના અવશેષો પર સમાધિસ્‍થાન રચતા પહેલાં કેટલાંક વૃક્ષ રોપાય છે, મૃત વ્‍યકિતના ભસ્‍માવશેષનું પાત્ર લવાય છે, નિશ્ર્ચિત સ્‍થાનની મધ્‍યમાં કાણું પડાય છે, જેમાં ક્ષાર અને માટી ભરવામાં આવે છે. છિદ્રની દક્ષિણે ખોદેલાં ખાડામાં નૌકા તરીકે વાંસનો ટુકડો ડુબાડવામાં આવે છે, અસ્થિ પધરાવવામાં આવે છે અને એના પર સ્‍મારક રચાય છે. સ્‍મારક-સમાધિ રચવાનો રિવાજ સમય જતાં વિશિષ્‍ટ વ્‍યકિતઓ પૂરતો સીમિત થઇ ગયો. નામાંકિત સાધુસંતો કે શ્રીમંતોની સમાધિઓ કે તુલસીકયારા થાય છે. રાજકુટુંબોમાં વિદેહ સ્‍વજનની યાદગીરીરૂપે શિવાલય બંધાવવાનો રિવાજ હતો. કેટલાંક રાજકુટુંબો વિદેહ સ્‍વજનની યાદગીરીરૂપે ‘છત્રી’ બંધાવતાં. વિદેહ વ્‍યકિતની યાદગીરીમાં ‘યષ્‍ટી’ (‘લાટ’) ઊભી કરાવવાની પ્રથા પણ પ્રચલિત હતી, એવું કેટલાંક પ્રાચીન યષ્ટિલેખો પરથી માલૂમ પડે છે.
હિંદુઓની અંત્‍યેષ્‍ટી ક્રિયાનો અંતિમ ભાગ પિંડદાનની ક્રિયા છે. વૈદિક યુગમાં પિંડદાનમાં ભાગ લેવા પિતૃઓને આમંત્રિત કરાતા. સૂત્રગ્રંથો અનુસાર મૃત્‍યુ પછી પ્રથમ દિવસે ચોખાના લોટનો ગોળો બનાવી પિંડદાન કરાય છે અને તે શબદહનના ૧ર મા દિવસ સુધી. મૃત વ્‍યકિતનો આત્‍મા સીધો પિતૃલોકમાં પહોચતો નથી. કેટલોક સમય એ પ્રેતના રૂપમાં રહે છે, શબદહન પછી બારમા દિવસે સપિંડીકરણની ક્રિયા દ્વારા એ પિતૃલોકમાં પહોચે છે. આ વિધિમાં ષોડશ શ્રાદ્ઘ કરાય છે. શ્રાદ્ઘ કરાવનાર મસ્‍તક પર મુંડન કરાવે છે. સરાવવાની વિધિ દસમાથી બારમા દિવસ સુધી ચાલે છે. દસમા ને અગિયારમાની વિધિ નદી કિનારે કે જળાશય કાંઠે કરાય છે. તેરમાની વિધિ ઘેર કરાય છે. બારમાના દિવસે સગાસંબંધી પિંડદર્શન તથા પિંડને નમસ્‍કાર કરે છે, ને વિદેહ વ્‍યકિતના પિંડના ટુકડા કરી એની અગાઉના ત્રણ વિદેહ પૂર્વજોના પિંડ સાથે ભેળવી દેવામાં આવે છે. આ પ્રતીકાત્‍મક વિધિ તાજેતરમાં વિદેહ થયેલ વ્યકિત ‍હવે અગાઉના વિદેહ પૂર્વજો સાથે ભળી ગઇ હોવાનું સૂચન કરે છે. તેરમા દિવસે મૃતાત્‍માને શય્‍યાદાન અપાય છે, જેમાં જરૂરિયાતની બધી ચીજો, ચાંદીની સ્‍વર્ગની સીડી, ગાયનું દાન, પંથીદાન (દીવા સહીત) દેવામાં આવે છે. પિતૃઓને તૃપ્‍તી માટે શ્રાદ્ઘથી કરાતી તર્પણ-ક્રિયાને ‘શ્રાદ્ઘ’ કહે છે. દર મહિને ‘માસિયો’ (માસિક શ્રાદ્ઘ) અને પહેલા વર્ષે ‘છમછરી’ (સંવત્‍સરી) કરાય છે. ભાદ્રપદ માસનો કૃષ્‍ણપક્ષ ‘શરાધિયા’ (શ્રાદ્ઘપક્ષ) કહેવાય છે. વિદેહ વ્‍યકિત જે તિથિએ મૃત્‍યુ પામેલ હોય તે તિથિ આ શ્રાદ્ઘપક્ષમાં ઊજવાય છે. સૌભાગ્‍યવતી સ્‍ત્રી માટે નવમી તિથિએ જ શ્રાદ્ઘ થાય છે, જેને ‘અવિધવા નવમી’ કહે છે. બાળકોનું ચોથના દિવસે અને સર્વ પિતૃઓનું અમાવસ્‍યાએ શ્રાદ્ઘ થાય છે.

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events